શું તમે કાર ખરીદવાનું વિચારી રહ્યા છો ? તો જલ્દી કરો 1 એપ્રિલથી આ કંપની વધારી રહી છે ભાવ

જો તમે પણ અત્યારે કાર ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ સમાચાર ખાસ તમારા માટે છે. કેમ કે દેશની સૌથી મોટી કાર કંપનીએ એપ્રિલમાં ભાવ વધારવાનું નક્કી કર્યું છે.

  • Publish Date - 11:20 am, Tue, 23 March 21 Edited By: Bipin Prajapati
શું તમે કાર ખરીદવાનું વિચારી રહ્યા છો ? તો જલ્દી કરો 1 એપ્રિલથી આ કંપની વધારી રહી છે ભાવ
(File Image)

જો તમે પણ અત્યારના સમયે ગાડી ખરીદવા માંગતા હોવ તો આ સમાચાર તમારા માટે છે. જી હા દેશની લોકપ્રિય ગાડીની કંપની તેના દરેક મોડલમાં ભાવ વધારવા જઈ રહી છે. દેશની સૌથી મોટી કાર કંપની મારુતિ સુઝુકી ઇન્ડિયા (એમએસઆઈ) તેની ગાડીઓમાં ભાવ વધારવા જઈ રહી છે. કંપનીએ સોમવારે જણાવ્યું કે તે કાચા માલના ખર્ચમાં થયેલા વધારાને કારણે અને તેને પહોંચી વળવા માટે તેના તમામ મોડેલોના ભાવમાં વધારો કરવા જઈ રહી છે. (cars price hike from 1st april), આ વધારો આગામી મહિનાથી એટલે કે એપ્રિલથી થશે વધારશે. મારુતિએ શેરબજારને આપેલા અહેવાલમાં જણાવ્યું છે કે ગયા વર્ષથી કંપનીના વાહનો પર કાચા માલની કિંમતમાં થયેલા વધારાની ઘણી અસર થઇ છે.

ખર્ચનો કેટલોક ભાર ગ્રાહકોના ખભા પર

કંપનીના જણાવ્યા અનુસાર, “કાચા માલમાં થયેલા ભાવ વધારાને કારણે, કંપનીએ એપ્રિલ 2021 થી વાહનોની કિંમતમાં વધારો કરવાનું નક્કી કર્યું છે. અને આ વધારાને પહોંચી વાળવા કેટલોક હિસ્સો ગ્રાહકો પર નાખવું જરૂરી બન્યું છે.”

કિંમત કેટલી વધી શકે?

જોકે, કંપનીએ હજુ સુધી કહ્યું નથી કે તે આવતા મહિનાથી વાહનોની કિંમતમાં કેટલો વધારો કરશે. આ અગાઉ આ વર્ષે 18 જાન્યુઆરીએ મારુતિ સુઝુકીએ પડતર કિંમતમાં વધારાની વાત કરીને અમુક મોડલ પર ભાવમાં 34,000 રૂપિયા વધારવાની જાહેરાત કરી હતી. આ વખતે જોવું રહ્યું કે એપ્રિલમાં કેટલો ભાવ વધશે.

મધ્યમવર્ગના ખભા પર બોજો

જાહેર છે કે કોરોના કાળ બાદ લોકો પોતાનું વાહન ખરીદવાનું વધુ પસંદ કરી રહ્યા છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને મધ્યમવર્ગ હવે પોસાય તેવી ગાડીઓ ખરીદવાનું પસંદ કરી રહ્યો છે. ત્યારે આ પસંદગીમાં મારુતિની ગાડીઓનું નામ મોખરે આવે છે. એવામાં આ વર્ષે આ બીજી વખત બની રહ્યું છે કે દેશને આ મોટી કંપનીએ ગાડીઓમાં ભાવનો વધારાની વાત કરી હોય. મધ્યમવર્ગના ખભા પર બોજો વધી રહ્યો હોય એમ લાગી રહ્યું છે. આવામાં જો તમે પણ ગાડી ખરીદવાનું વિચારી રહ્યા હોવ તો ઉતાવળમાં જ સમજદારી હશે. કેમ કે કંપની દ્વારા ભલે હજુ સુધી કહેવામાં નથી આવ્યું કે કેટલો ભાવ વધારો થશે, પરંતુ નાનામાં નાનો વધારો પણ મધ્યમવર્ગના ખિસ્સા પર મોટી અસર કરી શકે એમ હોય છે.