
લાલ સમુદ્ર એટલેકે Red Seaના રુટમાં ઇઝરાયેલ-હમાસ તણાવ આ સમુદ્ર દ્વારા માલસામાનની અવરજવરના ખર્ચ પર અસર તરીકે દેખાવા લાગ્યો છે. માલવાહક જહાજો પર થયેલા આતંકવાદી હુમલાને કારણે ઘણી કંપનીઓએ સુએઝ કેનાલનો માર્ગ છોડી દીધો છે અને હવે તેઓ આફ્રિકાની લાંબો રુટ લઈને તેમના ડેસ્ટિનેશન સુધી પહોંચી રહ્યા છે.
આ કારણે માલસામાનની હેરફેરનો ખર્ચ અને સમય બંને વધી રહ્યા છે. જોખમમાં વધારો થવાને કારણે શિપમેન્ટ પર વીમાની કિંમત પણ વધી છે. હાલમાં આ વધારાની દેશ પર બહુ અસર નથી કારણ કે આયાતી માલની લગભગ એક મહિનાની ઇન્વેન્ટરી પહેલેથી જ હોય છે. જો કે, ઉદ્યોગોએ સરકારને જાણ કરી છે કે જો આ સંઘર્ષ લાંબા સમય સુધી ચાલુ રહેશે તો તેની અસર દેખાઈ શકે છે.
સરકારી સૂત્રોએ સંકેત આપ્યો છે કે લાલ સમુદ્રમાં ચાલી રહેલા સંઘર્ષને કારણે છેલ્લા એક મહિનામાં શિપમેન્ટ માટે નૂર અને વીમા ખર્ચમાં વધારો થયો છે. સંઘર્ષને પગલે સુએઝ કેનાલના રૂટને ટાળવા માટે જહાજો આફ્રિકન દ્વીપકલ્પની આસપાસ લાંબો માર્ગ અપનાવે છે.
સરકારના અધિકારીઓએ સંઘર્ષની અસરનું મૂલ્યાંકન કરવા શિપિંગ કંપનીઓ અને નિકાસકારો સાથે મુલાકાત કરી હતી. ઉદ્યોગે જણાવ્યું હતું કે આયાતી માલની એક મહિનાની ઇન્વેન્ટરી હાલમાં ઉપલબ્ધ છે પરંતુ જો સંઘર્ષ આગળ વધે તો નજીકના ભવિષ્યમાં સપ્લાયમાં વિક્ષેપ આવી શકે છે.
એક સરકારી અધિકારીએ કહ્યું છે કે હાલમાં શિપિંગ કન્ટેનરની કોઈ અછત નથી પરંતુ ટર્નઅરાઉન્ડ ટાઈમ 14 દિવસ વધી ગયો છે. નવા કાર્ગો માટે કન્ટેનર ફરીથી ઉપલબ્ધ થવામાં જે સમય લાગે છે તે ટર્નઅરાઉન્ડ ટાઈમ છે.
આનો અર્થ એ થયો કે જો પરિસ્થિતિ વધુ વણસે તો વેપારીઓનો માલ વધુ સમય માટે બંદર પર રોકાઈ શકે છે. અધિકારીના જણાવ્યા અનુસાર સમગ્ર આફ્રિકામાં કન્ટેનર મુસાફરી કરતા લાંબા અંતરને કારણે યુએસ, યુરોપ અને લેટિન અમેરિકા સાથે માલસામાનના વેપારમાં માત્ર વધુ સમય લાગતો નથી પણ વધુ ખર્ચ પણ થાય છે. અધિકારીએ એમ પણ કહ્યું કે સંરક્ષણ મંત્રાલય ખુલ્લા સમુદ્રમાં મુસાફરી કરતી વખતે ઘણા જહાજોને સુરક્ષા પૂરી પાડી રહ્યું છે.
રિપોર્ટ અનુસાર જો લાલ સમુદ્રમાં સંઘર્ષ સમાપ્ત નહીં થાય તો ભારતમાંથી બાસમતી ચોખાની નિકાસ 15 થી 20 ટકા મોંઘી થઈ જશે. એપ્રિલના પ્રથમ સપ્તાહથી ડિસેમ્બરના પ્રથમ સપ્તાહ સુધી દેશમાંથી બાસમતીની નિકાસ ગયા વર્ષની સરખામણીમાં 20 ટકા વધી છે. આ કારણે ભાવમાં વધારો સેન્ટિમેન્ટ પર દબાણ લાવી શકે છે. જોકે, સરકારે આશા વ્યક્ત કરી છે કે ખર્ચમાં વધારો થયા બાદ પણ બાસમતી ચોખાની માંગ પર ખાસ અસર થશે નહીં.