ખાનગી એરલાઇન્સ કંપની GoAir પબ્લિક ઇશ્યૂ દ્વારા ભંડોળ ઉભું કરવાની તૈયારી કરી રહી છે. વાડિયા ગ્રુપ દ્વારા સંચાલિત એરલાઇન્સ IPO દ્વારા 3000 કરોડ રૂપિયા એકત્રિત કરશે. આ IPO દ્વારા વડિયા ગ્રુપ GO AIRમાં તેની 30 ટકા હિસ્સો વેચી શકે છે. કંપની 2017 થી આઇપીઓ લોંચ કરવાનું વિચારી રહી છે પરંતુ તે હજી સુધી સફળ થઇ નથી. જો કે, તાજેતરમાં દેશના પ્રાઈમરી માર્કેટમાં આઈપીઓ દ્વારા મળેલા જબરદસ્ત પ્રતિસાદને કારણે કંપનીએ ફરી એકવાર આઈપીઓ લોન્ચ કરવાની યોજનાને પુનર્જીવિત કરી છે.
GoAir એ આ આઈપીઓ માટે સિટી ગ્રૂપ, આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝ અને મોર્ગન સ્ટેનલીને તેમના ઇન્વેસ્ટમેન્ટ બેન્કરો તરીકે નિમણૂક કરી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે કંપની લાંબા ગાળા માટે તેનું દેવું ઘટાડવા અને ભંડોળ ઉભું કરવા પ્રયાસ કરી રહી છે. આ માટે, આઈપીઓ લોન્ચ કરવા માટે આ યોગ્ય સમય છે.
કોરોનાકાળ દરમિયાન GO AIR દેવામાં ડૂબી હતી કોરોના રોગચાળાથી GoAir ના વ્યવસાયને ભારે અસર થઈ છે. કંપની તેના ઓપરેશનલ ખર્ચને પહોંચી વળવા માટે સંઘર્ષ કરી રહી છે. કંપની પર દેવાના બોજ પણ વધી રહ્યા છે. 31 માર્ચ, 2019 સુધી કંપનીનું કુલ 1819 કરોડનું દેવું હતું, જે હવે નોંધપાત્ર રીતે વધ્યું છે. ગયા નાણાકીય વર્ષમાં કંપનીનો ચોખ્ખો નફો 123 કરોડ રૂપિયા અને આવક 6262 કરોડ રૂપિયા હતી. કોવિડને કારણે એરલાઇન્સ કંપનીઓના બેંક ફંડિંગને પણ અસર થઈ છે જેને કારણે સમસ્યા વધુ વકરી છે.
સ્થાનિક મુસાફરોના ટ્રાફિકમાં 8.6% હિસ્સો છે ગોએઅરની 27 સ્થળો માટે દિવસમાં 300 ફ્લાઇટ્સ છે અને કંપનીના સ્થાનિક મુસાફરોના ટ્રાફિકમાં 8.6% હિસ્સો છે. જો ગોએઅરનો આઈપીઓ આવે છે, તો કંપનીનું વેલ્યુએશન સ્પાઇસ જેટથી ઓછું હશે. પાછલા 6 મહિનામાં ઈન્ડિગોની માલિકીની કંપની ઇન્ટર ગ્લોબ એવિએશનનો શેર 80% વધ્યો છે તે જ સમયે, સ્પાઇસ જેટના શેર આ સમયગાળા દરમિયાન 90% વધ્યા છે.