ટેક્સ ચોરીના આરોપ હેઠળ ભારતે TikTokની પેરેન્ટ કંપની Bytedanceના બેંક એકાઉન્ટને ફ્રીઝ કર્યા, જાણો શું છે આખો મામલો

શોર્ટ વિડીયો પ્લેટફોર્મ ટિક્ટોક(TikTok)ની માલિકીની કંપની બાઈટડાન્સ(bytedance)ના ભારતમાં હાલના બેંક ખાતાઓને ભારતીય અધિકારીઓએ ફ્રીઝ કરી દીધા છે.

  • Ankit Modi
  • Published On - 7:55 AM, 31 Mar 2021
ટેક્સ ચોરીના આરોપ હેઠળ ભારતે TikTokની પેરેન્ટ કંપની Bytedanceના બેંક એકાઉન્ટને ફ્રીઝ કર્યા, જાણો શું છે આખો મામલો
ઓનલાઇન જાહેરાતના સોદામાં Bytedance ઉપર કરચોરીનો આક્ષેપ બાદ કાર્યવાહી કરાઈ છે.

શોર્ટ વિડીયો પ્લેટફોર્મ ટિક્ટોક(TikTok)ની માલિકીની કંપની બાઈટડાન્સ(bytedance)ના ભારતમાં હાલના બેંક ખાતાઓને ભારતીય અધિકારીઓએ ફ્રીઝ કરી દીધા છે. કંપની પર કરચોરીના આક્ષેપોને કારણે આ કાર્યવાહી કરવામાં આવી છે. બાઈટડાન્સે આ મામલાને અદાલતમાં પડકારતા કહ્યું છે કે આ હુકમ ત્વરિત રદ થવો જોઈએ કારણ કે તેના વ્યવસાયને મોટું નુકસાન થઇ શકે છે.

બાઈટડાન્સે જાન્યુઆરીમાં ભારતમાં તેના કર્મચારીઓની છટણી કરી હતી. ભારત સરકારે તેની લોકપ્રિય વિડિઓ એપ્લિકેશન પરનો પ્રતિબંધ ન હટાવતા કંપનીએ આ કાર્યવાહી કરી હતી. જો કે, ભારતમાં હજી પણ બાઇટડન્સના 1300 કર્મચારીઓ છે, જેમાંથી મોટાભાગના વિદેશી કામગીરી સંભાળી રહ્યા છે જેમાં કન્ટેન્ટ મોડરેશન શામેલ છે.

સૂત્રો અનુસાર માર્ચની મધ્યમાં ભારતમાં બાઈટડાન્સના યુનિટ અને સિંગાપુરમાં તેના મુખ્ય એકમ TikTok Pte Ltdવચ્ચેના ઓનલાઇન જાહેરાતના સોદામાં કરચોરીનો આક્ષેપ થયો હતો. આ પછી અધિકારીઓએ કંપનીના સિટીબેંક અને એચએસબીસી બેંક ખાતાઓને બ્લોક કરવા આદેશ આપ્યો હતો.

આ સાથે સૂત્રોએ એમ પણ કહ્યું કે આ બંને બેંકો ઉપરાંત અધિકારીઓએ સિટીબેંક અને એચએસબીસી બેંકને આદેશ આપ્યો હતો કે બાઇટડાન્સ ઇન્ડિયાને ટેક્સ આઇડેન્ટિફિકેશન નંબર સાથે જોડાયેલા કોઈપણ બેંક ખાતામાંથી પૈસા ઉપાડવા દેવા નહિ.

બાઈટડાન્સ દ્વારા આ મામલે કોર્ટમાં અરજી કરવામાં આવી છે જેની સુનાવણી મુંબઈ હાઈકોર્ટમાં થશે. બાઈટડાન્સ ઇન્ડિયાએ દલીલ કરી છે કે જ્યારે તેના ખાતામાં ફક્ત 10 કરોડ ડોલર છે ત્યારે આ પગલું કાનૂની પ્રક્રિયાઓનો દુરુપયોગ છે અને પગાર અને કર ચૂકવવામાં મુશ્કેલી થશે.