Breaking News : એક યુગનો અંત ! હિન્દુજા ગ્રુપના ચેરમેનનું લંડનમાં નિધન, 85 વર્ષની વયે લીધા છેલ્લા શ્વાસ
'હિન્દુજા ગ્રુપ'ના ચેરમેન અને બ્રિટનના સૌથી ધનિક ઉદ્યોગપતિઓમાંના એક ગોપીચંદ પી. હિન્દુજાનું લંડનની એક હોસ્પિટલમાં 85 વર્ષની વયે અવસાન થયું છે.

‘હિન્દુજા ગ્રુપ’ના ચેરમેન અને બ્રિટનના સૌથી ધનિક ઉદ્યોગપતિઓમાંના એક ગોપીચંદ પી. હિન્દુજાનું લંડનની એક હોસ્પિટલમાં 85 વર્ષની વયે અવસાન થયું છે. પીટીઆઈના અહેવાલ મુજબ, તેઓ છેલ્લા કેટલાક અઠવાડિયાથી બીમાર હતા અને સારવાર દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધા.
હિન્દુજા ગ્રુપના ચેરમેન ગોપીચંદ હિન્દુજા, જે વ્યાપાર જગતમાં GP તરીકે જાણીતા છે, તેમનું લંડનમાં અવસાન થયું છે. તેઓ હિન્દુજા પરિવારની બીજી પેઢીનું પ્રતિનિધિત્વ કરતા હતા. તેમણે તેમના મોટા ભાઈ શ્રીચંદ પી. હિન્દુજાના મૃત્યુ પછી ગ્રુપની કમાન સંભાળી હતી. તેમના પરિવારમાં તેમની પત્ની સુનિતા, પુત્રો સંજય અને ધીરજ તેમજ પુત્રી રીટા છે.
વ્યવસાયિક નેતૃત્વની મિસાલ
વર્ષ 1940 માં જન્મેલા ગોપીચંદ હિન્દુજાએ વર્ષ 1959 માં મુંબઈમાં ફેમિલી બિઝનેસમાં પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેમણે પરંપરાગત ટ્રેડિંગ બિઝનેસને વૈશ્વિક ઔદ્યોગિક સમૂહમાં પરિવર્તિત કર્યો હતો, જે આજે 30 થી વધુ દેશોમાં હાજરી ધરાવે છે. તેમના નેતૃત્વ હેઠળ હિન્દુજા ગ્રુપે “બેંકિંગ, ફાઇનાન્સ, ઉર્જા, ઓટોમોટિવ, મીડિયા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર” જેવા અનેક ક્ષેત્રોમાં વિસ્તરણ કર્યું.
હિંદુજા ગ્રૂપના બે મહત્ત્વના અધિગ્રહણ સોદામાં તેમની અગત્યની ભૂમિકા રહી હતી. આમાં વર્ષ 1984 માં Gulf Oil અને પછી વર્ષ 1987 માં Ashok Leyland ના અધિગ્રહણનો સમાવેશ થાય છે. ગોપીચંદ તેમના શાંત સ્વભાવ અને વ્યાવસાયિક દૃષ્ટિકોણ માટે જાણીતા હતા. તેમને યુનિવર્સિટી ઓફ વેસ્ટમિન્સ્ટર અને રિચમન્ડ કોલેજ લંડન તરફથી Honorary Doctorate ની ઉપાધિ મળી હતી.
હિન્દુજા સામ્રાજ્યનો વારસો
હિંદુજા ગ્રૂપની સ્થાપના વર્ષ 1919 માં પરમાનંદ દીપચંદ હિંદુજાએ કરી હતી. તેઓ સિંધ (હાલ પાકિસ્તાન)માંથી ઈરાન ગયા અને ત્યાંથી વ્યવસાયની શરૂઆત કરી. બાદમાં વર્ષ 1979 માં પરિવારે લંડનને પોતાનું મુખ્યાલય બનાવ્યું અને ત્યાંથી ગ્રૂપના વૈશ્વિક વિસ્તરણનો પ્રારંભ થયો. આજે હિન્દુજા ગ્રુપ ઘણા ઉદ્યોગોમાં હાજરી ધરાવે છે અને 2,00,000 થી વધુ લોકોને રોજગારી આપે છે.
એક યુગનો અંત
હિન્દુજા પરિવાર લંડનમાં ઘણી ઐતિહાસિક મિલકતો ધરાવે છે, જેમાં ઓલ્ડ વોર ઓફિસ બિલ્ડીંગનો સમાવેશ થાય છે, જેનું તાજેતરમાં રાફેલ્સ લંડન હોટેલમાં નવીનીકરણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, પરિવાર કાર્લટન હાઉસ ટેરેસ જેવી પ્રતિષ્ઠિત મિલકતો ધરાવે છે.
ગોપીચંદ હિંદુજા લંડનથી કંપનીના વૈશ્વિક ઓપરેશન્સ સંભાળી રહ્યા હતા. તેમના નાના ભાઈ પ્રકાશ હિંદુજા મોનાકોથી અને સૌથી નાના ભાઈ અશોક હિંદુજા મુંબઈથી ભારતનો વ્યવસાય સંચાલિત કરે છે. ગોપીચંદ હિંદુજાને એક એવા વ્યવસાયિક નેતા તરીકે યાદ કરવામાં આવશે કે, જેમણે પરંપરા અને આધુનિકતાને જોડતા હિંદુજા ગ્રૂપને આંતરરાષ્ટ્રીય ઊંચાઈ સુધી પહોંચાડ્યું.

