MONEY9 : ક્રેડિટ કાર્ડઃ સમજીને વાપરો તો બેસ્ટ, નહીંતર ભરવો પડશે ઊંચો ઈન્ટરેસ્ટ

 ક્રેડિટ કાર્ડ રાખવું જોઈએ કે નહીં ? ક્રેડિટ કાર્ડથી કેટલો થાય છે ફાયદો અને કેટલું થાય છે નુકસાન ? આવા અનેક સવાલો આજના યુવાનોના દિમાગમાં ઉભા થતા હોય છે આવા જ મહત્વના સવાલોના જવાબો તમને અહીં મળશે.

Money9 Gujarati

| Edited By: Bipin Prajapati

May 05, 2022 | 11:10 AM

ક્રેડિટ કાર્ડ (CREDIT CARD) રાખવું જોઈએ કે નહીં? ક્રેડિટ કાર્ડ કેટલો થાય છે ફાયદો (BENEFIT) અને કેટલું થાય છે નુકસાન (LOSS)? આવા અનેક સવાલો આજના યુવાનોના દિમાગમાં ઉભા થતા હોય છે આવા જ મહત્વના સવાલોના જવાબો તમને અહીં કેતનના ઉદાહરણ સાથે મળશે.

કેતનના દિમાગમાં ક્રેડિટ કાર્ડ રાખવાનો સૌપ્રથમ વિચાર એ દિવસે આવ્યો, જ્યારે તે ઓનલાઈન શોપિંગ કરી રહ્યો હતો અને પોતાના મનગમતા સ્માર્ટફોન માટે એક ખાસ ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરવા પર વધુ 10 ટકા ડિસ્કાઉન્ટની જાહેરાતે તેનું ધ્યાન ખેંચ્યું હતું. આમ તો, નોકરી શરૂ કર્યાંના 4 વર્ષ વીતી ગયા, પરંતુ કેતનને ક્યારેય ક્રેડિટ કાર્ડની જરૂર પડી નથી. તેણે મિત્રોને પૂછ્યું, તો બધાએ અલગ-અલગ અભિપ્રાય આપ્યા. કોઈએ ક્રેડિટ કાર્ડના ફાયદા ગણાવ્યા, તો કોઈ મિત્રોએ કહ્યું કે, ભૂલથી પણ ક્રેડિટ કાર્ડ ન રાખવું જોઈએ.  હવે, કેતન મૂંઝવણમાં છે અને માત્ર કેતન જ નહીં, તેના જેવા ઘણા લોકો છે, જેમને ક્રેડિટ કાર્ડ રાખ્યા પછી પણ એવી મૂંઝવણ રહે છે કે, કાર્ડથી ખરેખર ફાયદો થાય કે નુકસાન? 

ક્રેડિટ કાર્ડ કેવી રીતે કામ કરે છે

ક્રેડિટ કાર્ડ મારફતે, બેન્ક અથવા એનબીએફસી તમને ટૂંકા ગાળા માટે ઋણ આપે છે. બેન્કો તમારી આવકના આધારે તમારા ક્રેડિટ કાર્ડની સ્પેન્ડિંગ લિમિટ નક્કી કરે છે. એટલે કે, તમે આ લિમિટ જેટલી ખરીદદારી ગમે ત્યારે કરી શકો છો. તમે જે ખર્ચ કરશો, તેનું બિલ દર મહિને બની જશે.સમયસર બિલ ભરશો, તમારે કોઈ વ્યાજ નહીં ભરવું પડે. જો સારી એવી શોપિંગ કરતાં હશો, તો કંપનીઓ વાર્ષિક ફી પણ નથી લેતી. યાદ રાખજો, કાર્ડમાં લાઈફટાઈમ ફ્રી જેવું કશું હોતું નથી. ખર્ચ કરશો, એટલે પૈસા તો ભરવા જ પડશે. કંપનીઓ કાર્ડની ફી તો માફ કરે છે, પણ તે શરતોને આધીન હોય છે. 

આટલું તો જાણે કે સમજ્યા, હવે થોડીક ડિટેલમાં વાત કરીએ. જો તમે છેલ્લી તારીખે બિલ નહીં ભરો તો, કંપનીઓ ઊંચું વ્યાજ વસૂલશે. ક્રેડિટ કાર્ડ કંપનીઓના વ્યાજના દર 24 ટકાથી 40 ટકા જેટલા ઊંચા હોય છે. ક્રેડિટ કાર્ડમાં મિનિમમ પેમેન્ટનો નિયમ પણ સમજી લેવો જોઈએ. જો તમે છેલ્લી તારીખ સુધીમાં માત્ર મિનિમમ પેમેન્ટ કરશો, તો તમારા સિબિલ સ્કોર પર તો અસર નહીં પડે, પરંતુ આ મિનિમમ ડ્યૂ તો વાસ્તવમાં વ્યાજ હોય છે, કારણ કે, મિનિમમ ડ્યૂ જમા કર્યા પછી પણ આગામી મહિને તો પૂરેપૂરું બિલ જ આવે છે. તો આ હતું, ક્રેડિટ કાર્ડનું ગુણાકારમાં પૈસા વસૂલવાનું ગણિત. 

ક્રેડિટ કાર્ડના ફાયદા

 1. પેટ્રોલ-ડીઝલ મોંઘું થવાથી પરિવહન ખર્ચ વધી ગયો છે અને તેનાથી બચવા માટે તમારી મદદે આવી શકે છે ક્રેડિટ કાર્ડ. આ કાર્ડથી તમને એર માઈલ્સ, હવાઈટિકિટમાં ડિસ્કાઉન્ટ, ફ્યુઅલ સરચાર્જમાં ડિસ્કાઉન્ટ, એરપોર્ટ લાઉન્જ એક્સેસ, હોટેલના ભાડાંમાં ડિસ્કાઉન્ટ અને ફ્રી ટ્રાવેલ ઈન્શ્યોરન્સ જેવા લાભ મળે છે. એર માઈલ્સ કે ટ્રાવેલ માઈલ્સથી તમને ભવિષ્યમાં ફ્લાઈટ બૂકિંગમાં ફાયદો થાય છે. 
 2. ઘણી અગ્રણી હોટેલ ચેઈન્સ બેન્કો સાથે ભાગીદારીમાં ક્રેડિટ કાર્ડ લોન્ચ કરે છે. તમે આવા કાર્ડનો ઉપયોગ કરીને પૈસા બચાવી શકો છો, કારણ કે, તેનાથી તમને બૂકિંગમાં ડિસ્કાઉન્ટ, રિવોર્ડ પોઈન્ટ્સ અને અન્ય ઘણા લાભ મળે છે. આ રિવોર્ડ પોઈન્ટ્સની મદદથી તમે આગામી બૂકિંગમાં પણ વધુ ડિસ્કાઉન્ટ મેળવવાની તક મળે છે. 
 3. દેશની અગ્રણી બેન્કો ફ્યુઅલ ક્રેડિટ કાર્ડ પણ આપે છે. ફ્યુઅલના વધી રહેલાં ભાવને જોતાં આવી ક્રેડિટ દ્વારા ફ્યુઅલની ખરીદી પર પૈસા બચાવી શકો છો. જો તમે નિયમિતપણે પેટ્રોલ, ડીઝલ ભરાવતા હોવ તો, આવા કાર્ડથી તમને ડિસ્કાઉન્ટની સાથે સાથે કેશબેક તેમજ રિવોર્ડ પોઈન્ટ્સનો ફાયદો મળશે.
 4. ટ્રેનની ટિકિટ બૂક કરાવતી વખતે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરશો, તો ડિસ્કાઉન્ટ મળશે. તમે IRCTC અને એસબીઆઈ કે બેન્ક ઓફ બરોડા જેવી બેન્કોના કો-બ્રાન્ડેડ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને ડિસ્કાઉન્ટ, રિવોર્ડ પોઈન્ટ તેમજ અમુક રેલવે સ્ટેશન પર લાઉન્જનો ફ્રીમાં ઉપયોગ, પેટ્રોલ  પમ્પ પર ફ્યુઅલ સરચાર્જમાં છૂટ જેવા ફાયદા પણ મેળવી શકો છો. 
 5. તમે શોપિંગ વખતે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને પેમેન્ટને ઈએમઆઈમાં પણ બદલી શકો છો અને આવી રીતે, તમારે એક સાથે મોટી રકમ કાઢવી નહીં પડે. તમે મોંઘી ચીજવસ્તુઓ સરળતાથી ખરીદી શકશો. ક્રેડિટ કાર્ડનો આ ખાસ ફાયદો છે, કારણ કે, તેનાથી તમને મોંઘી ચીજો ઈએમઆઈ પર ખરીદવાની સગવડતા મળે છે. 

કાર્ડના ઉપયોગ વખતે કેવી સાવધાની રાખવી

 • તમારે ક્રેડિટ કાર્ડની લિમિટની અંદર જ અને પોતાની જરૂરિયાતના આધારે શોપિંગ કરવી જોઈએ. તમારે એવી કોઈ વસ્તુ ન ખરીદવી જોઈએ, જેના કારણે તમારે મિનિમમ બેલેન્સ પેમેન્ટથી કામ ચલાવવાનો વારો આવે, નહીંતર સામે તમારે વ્યાજ પેટે અઢળક રકમ ચૂકવવી પડશે. વિવિધ રિપોર્ટ્સ કહે છે કે, પ્લાસ્ટિક મની એટલે કે ક્રેડિટ કાર્ડને કારણે લોકો વધુ ને વધુ ખરીદી કરવા માટે પ્રેરાય છે. જો રોકડમાં ચૂકવણી કરવાની આવે તો, લોકો મર્યાદામાં રહીને શોપિંગ કરે છે. 
 • તમારે મિનિમમ ડ્યૂ અમાઉન્ટનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. આ મિનિમમ ડ્યૂ અમાઉન્ટ તમારા આઉટસ્ટેન્ડિંગ બેલેન્સના પાંચ ટકા હોય છે, અને તેમાં ઈએમઆઈ સામેલ નથી હોતો. મિનિમમ અમાઉન્ટ નહીં ચૂકવો તો દંડ તો નહીં ભરવો પડે, પરંતુ વ્યાજ ચોક્કસ ચૂકવવું પડશે. 
 • ક્રેડિટ કાર્ડનો ઉપયોગ ડેબિટ કાર્ડની જેમ કરવાથી દૂર રહેજો. ક્રેડિટ કાર્ડથી તમે ઈચ્છા પડે તેટલા પૈસા ના ઉપાડી શકો. તમારા કાર્ડની જેટલી લિમિટ હશે, તમે તેટલી જ રકમ ઉપાડી શકશો. આથી, તમારે ક્રેડિટ કાર્ડથી પૈસા ઉપાડવાની ભૂલ ન કરવી જોઈએ. ક્રેડિટ કાર્ડથી પૈસા ઉપાડશો, તો ઘણા બધા ચાર્જ ચૂકવવા પડશે અને જંગી વ્યાજ પણ ચૂકવવું પડશે. આમ, આ ભૂલ કરશો, તો ટોટલ એક્સ્ટ્રા અમાઉંટ ઘણી બધી વધી જશે. 

મની નાઈનની સલાહ

 1. નિયમિત સમયે, પોતાની ક્રેડિટ લિમિટ ચકાસતા રહો અને જો તમે ઉપલબ્ધ ક્રેડિટ લિમિટનો 40 ટકા ખર્ચ કરી લીધો હોય, તો તમારા ક્રેડિટ કાર્ડથી વધુ ખર્ચ કરવાનું ટાળો. 
 2. પોતાની ક્રેડિટ લિમિટનો ઓછામાં ઓછો 40 ટકા હિસ્સો બચાવીને રાખો, જેથી આકસ્મિક સ્થિતિ ઊભી થાય, તો આ હિસ્સો કામમાં આવે. 
 3. પોતાની ખરીદીનું પ્લાનિંગ કરીને રાખો અને માત્ર જરૂરી વસ્તુઓ માટે જ કાર્ડનો ઉપયોગ કરો. 
 4. ક્યારેય કાર્ડનું પેમેન્ટ ચૂકવવાનું ભૂલતા નહીં, કારણ કે, ચાર્જ વધી જશે અને પરિણામે દંડ ભરવાનો વારો આવશે. 

તો હવે, તમે મુત્થુકૃષ્ણનની વાતનો મર્મ પણ સમજી ગયા હશો કે ક્રેડિટ કાર્ડ તેમના માટે સારું, જેમના ખાતામાં પૈસા પડ્યા છે અને ક્રેડિટની એટલે કે દેવું કરવાની જરૂર નથી. આવા લોકો, ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને ડિસ્કાઉન્ટ તથા ઓફર્સનો ફાયદો ઉઠાવી શકે છે અને પોતાના એકાઉન્ટમાં પડેલા પૈસા દ્વારા ક્રેડિટ કાર્ડની ચૂકવણી કરી શકે છે. 

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati