સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) એ તેની ફિક્સ ડિપોઝિટ પરના વ્યાજ દરમાં 20 બેસિસ પોઈન્ટ્સ સુધીનો વધારો કર્યો છે. આ વધારો બેંકના અલગ-અલગ કાર્યકાળની FD પર કરવામાં આવ્યો છે. નવા વ્યાજ દરો 2 કરોડ રૂપિયાથી ઓછી ફિક્સ્ડ ડિપોઝિટ પર લાગુ થશે. બેંકની વેબસાઇટ અનુસાર, FD પર વધેલા વ્યાજ દર 15 ઓક્ટોબર, 2022થી લાગુ થશે. બેંકે બે મહિનાના અંતરાલ બાદ રિટેલ ટર્મ ડિપોઝિટ પરના વ્યાજ દરમાં વધારો કર્યો છે. SBIની વેબસાઈટ અનુસાર, FD પર વ્યાજ દર 10 બેસિસ પોઈન્ટથી લઈને 20 બેસિસ પોઈન્ટની વચ્ચે વધશે.
SBIમાં 46 દિવસથી 179 દિવસની વચ્ચે પાકતી FD પરના વ્યાજ દરો હવે 4 ટકાના દરે ઉપલબ્ધ થશે. અગાઉ આ સમયગાળા માટે વ્યાજ દર 3.90 ટકા હતો. વ્યાજ દરોમાં ફેરફાર બાદ 180 દિવસથી 210 દિવસની મુદતવાળી રિટેલ ટર્મ ડિપોઝિટ પર વ્યાજ દર 4.55 ટકાથી વધારીને 4.65 ટકા કરવામાં આવ્યો છે.
બેંકે 211 દિવસથી એક વર્ષ કરતા ઓછા સમયની થાપણો પર વ્યાજ દર 4.60 ટકાથી વધારીને હવે 4.70 ટકા કર્યો છે. SBI રિટેલ ડોમેસ્ટિક ટર્મ ડિપોઝિટ ખાતાઓ પર એક વર્ષથી બે વર્ષથી ઓછી મુદતની પાકતી મુદત સાથેનો વ્યાજ દર હવે 5.45 ટકાથી વધીને 5.60 ટકા થયો છે.
આ સિવાય બે વર્ષથી ત્રણ વર્ષની ઓછી મુદતની FD પર વ્યાજ દર 5.50 ટકાથી વધારીને 5.65 ટકા કરવામાં આવ્યો છે. તે જ સમયે, ત્રણ વર્ષથી પાંચ વર્ષ કરતાં ઓછી પાકતી થાપણો પર વ્યાજ દર 5.60 ટકાથી વધીને 5.80 ટકા થયો છે. જ્યારે, પાંચ વર્ષથી 10 વર્ષમાં પાકતી FD પર વ્યાજ દર 5.65 ટકાથી વધારીને 5.85 ટકા કરવામાં આવ્યો છે.
વરિષ્ઠ નાગરિકો માટે, 7 દિવસથી 45 દિવસમાં પાકતી ફિક્સ્ડ ડિપોઝિટ પર હવે 3.5 ટકાના દરે વ્યાજ મળશે. અગાઉ આ સમયગાળા માટે વ્યાજ દર 3.40 ટકા હતો. તે જ સમયે, 46 દિવસથી 179 દિવસની વચ્ચે પાકતી થાપણો પર વ્યાજ દર 4.40 ટકાથી વધારીને 4.50 ટકા કરવામાં આવ્યો છે.