Tv9 Bhakti : મંદિર પર શા માટે ફરકાવવામાં આવે છે ધજા ? મંદિરના રહસ્યોને જાણીને તમે પણ રહી જશો દંગ !

Tv9 Bhakti : મંદિર પર શા માટે ફરકાવવામાં આવે છે ધજા ? મંદિરના રહસ્યોને જાણીને તમે પણ રહી જશો દંગ !
Dwarkadhish Temple (Gujarat)

મંદિર (Temple) નિર્માણ શાસ્ત્ર અનુસાર મંદિર એ દેવ શરીર સ્વરૂપ છે. મંદિરના પાયા એ પગ છે, મંદિરના સ્તંભ ઘૂંટણ છે, ગર્ભગૃહ એનું હૃદય છે અને તેમાં પ્રગટતો દીવો આત્માનું પ્રતીક છે. જ્યારે શિખર એ મસ્તક છે અને તેના ઉપર ફરકતી ધજા એ વાળ સ્વરૂપે ફરકે છે

TV9 Bhakti

| Edited By: Bipin Prajapati

May 18, 2022 | 6:23 AM

દેવી-દેવતાના સ્થાનકો પર ધજા (dhaja) સદૈવ ફરફરતી જોવા મળે છે. આ ધજાનું એક અલગ જ આધ્યાત્મિક(Aadhyatmik) મહત્વ છે. ધજા મંદિર (Temple)ના શિખર પર એક દંડમાં ફરકતી રહે છે. વરસાદ હોય કે પવન, પણ તે ફરકવાનું ભૂલતી નથી. આપણે જુદાં-જુદાં મંદિરોમાં જુદાં-જુદાં રંગની ધજાઓના દર્શન કરીએ છીએ. આવો, આજે એ જાણીએ કે મંદિર પર ધજા શા માટે ફરકાવવામાં આવે છે ? સાથે જ મંદિર સાથે સંકળાયેલી વિવિધ પ્રણાલીઓને પણ સમજવાનો પ્રયત્ન કરીએ.

મંદિર ઉપર ધજા શા માટે ?

આખરે, મંદિર ઉપર ધજા શા માટે હોય છે, તે સવાલનો જવાબ મંદિર નિર્માણ શાસ્ત્રમાં સોમપુરાઓએ લખ્યો છે. જે અનુસાર મંદિર એ દેવ શરીર સ્વરૂપ છે, એના પાયા એ પગ છે, મંદિરના સ્તંભ ઘૂંટણ છે, ગર્ભગૃહ એનું હૃદય છે અને તેમાં પ્રગટતો દીવો આત્માનું પ્રતીક છે. જ્યારે શિખર એ મસ્તક છે અને તેના ઉપર ફરકતી ધજા એ વાળ સ્વરૂપે ફરકે છે તેવું વર્ણન છે. બ્રહ્માંડમાંથી દેવી શક્તિને તથા સકારાત્મક તરંગોને મંદિરમાં બોલાવવા માટે ધજા એક રડાર જેવું કામ કરે છે !

52 ગજની ધજાનું રહસ્ય !

કહે છે કે મંદિર પર બાવન ગજની ધજા ચડાવનાર ભક્તને બાવન સંયોગો તથા લાભની પ્રાપ્તિ થાય છે. આ ધજને મસ્તકે અડાડવવાથી ચિંતામુક્તિનો અનુભવ થાય છે. બાવન ગજની ધજાનો અર્થ આ પ્રમાણે છે, 4 દિશા, 12 રાશિ, 9 ગ્રહો, 27 નક્ષત્રોનો સરવાળો 52 થાય છે. જેથી એવું કહેવાય છે કે, કોઈપણ મંદિરના દર્શને જઈએ ત્યારે ધજાના દર્શન અવશ્યથી કરવા જોઈએ. ધજાના મનોરથથી ભક્તના મનમાં કાયમી અદ્વિતીય મીઠી યાદ રહે છે. ધજા માનવ જીવનને ધન્ય બનાવે છે.

શા માટે ચપ્પલ મંદિરની બહાર ઉતારી દેવાય છે ? 

મંદિરમાં ખુલ્લા પગે પ્રવેશવું પડે છે. આ નિયમ વિશ્વના દરેક હિન્દુ મંદિરોમાં છે. તેની પાછળનું વૈજ્ઞાનિક કારણ એ છે કે મંદિરના માળનું નિર્માણ પ્રાચીન કાળથી જ એવી રીતે કરવામાં આવ્યું છે કે તે વિદ્યુત અને ચુંબકીય તરંગોનો સૌથી મોટો સ્ત્રોત છે. જ્યારે વ્યક્તિ આના પર ખુલ્લા પગે ચાલે છે, ત્યારે મહત્તમ ઉર્જા પગ દ્વારા શરીરમાં પ્રવેશે છે !

આરતીની આસકા લેવાનો મહિમા

આરતી પછી, બધા લોકો તેમના હાથ દીવા અથવા કપૂર પર રાખે છે અને પછી તેને માથા પર લગાવે છે અને આંખોને સ્પર્શ કરે છે. આરતીની આસકા લેવાથી, હળવા ગરમ હાથથી દૃષ્ટિની ભાવના સક્રિય થાય છે અને વ્યક્તિને સારું લાગે છે.

મંદિરમાં ઘંટ વગાડવાનું કારણ

જ્યારે પણ કોઈ વ્યક્તિ મંદિરમાં પ્રવેશ કરે છે, ત્યારે તે ઘંટ વગાડે છે. મુખ્ય મંદિરમાં પ્રવેશ કરતી વખતે ઘંટ વગાડવાની પ્રથા છે. તેની પાછળનું કારણ એ છે કે તેમાંથી નીકળતો અવાજ સાત સેકન્ડ સુધી ગુંજતો રહે છે જે શરીરના સાત હીલિંગ કેન્દ્રોને સક્રિય કરે છે અને કુંડલિની શક્તિને જાગ્રત કરે છે.

મંદિરમાં ભગવાનની મૂર્તિ

મંદિરમાં ભગવાનની મૂર્તિ ગર્ભગૃહની મધ્યમાં મૂકવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ સ્થાન પર સૌથી વધુ ઉર્જા હોય છે. જ્યાં સકારાત્મક ઉર્જા શરીરમાં પહોંચે છે અને સકારાત્મક વિચાર સાથે ઉભા રહેવા પર નકારાત્મકતા દૂર ભાગી જાય છે.

પરિક્રમાનું રહસ્ય 

દરેક મુખ્ય મંદિરમાં દર્શન કર્યા પછી જ્યારે મંદિરમાં પરિક્રમા કરવામાં આવે છે, ત્યારે તમામ સકારાત્મક ઉર્જા શરીરમાં પ્રવેશ કરે છે અને મનને શાંતિ મળે છે. પરિક્રમા સાથે જોડાયેલી ખાસ વાત કરીએ તો સૂર્ય દેવની સાત, ભગવાન ગણેશની ચાર, ભગવાન વિષ્ણુની ચાર અને તેમના તમામ અવતારની ચાર પરિક્રમા કરવી. દેવી દુર્ગાની ત્રણ, હનુમાનજી અને શિવજીની અડધી પરિક્રમાનો નિયમ છે. શિવજીની અડધી પરિક્રમા કરવામાં આવે છે, આ સંબંધમાં એવું માનવામાં આવે છે કે જળ ધારકને પાર ન કરવું જોઈએ.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati