ઈન્દ્રેશ્વર મહાદેવ શા માટે કહેવાયા ધોળેશ્વર મહાદેવ ? જાણો મોક્ષની પ્રાપ્તિ કરાવતા મહાદેવનો મહિમા

પાવની સાબરમતી નદીમાં સ્નાન કરતાં જ ઈન્દ્રને બ્રહ્મહત્યાના પાપમાંથી મુક્તિ મળી ગઈ. અને દેહની કાંતિ પૂર્ણિમાના ચંદ્ર જેવી ધવલ થઈ ગઈ. ત્યારબાદ દેવરાજે આ જ સ્થાન પર મહાદેવની સ્થાપના કરી. કહે છે કે તે ઈન્દ્રેશ્વર મહાદેવ જ આજે ધોળેશ્વર મહાદેવના (dholeshwar mahadev gandhinagar) નામે પૂજાઈ રહ્યા છે.

ઈન્દ્રેશ્વર મહાદેવ શા માટે કહેવાયા ધોળેશ્વર મહાદેવ ? જાણો મોક્ષની પ્રાપ્તિ કરાવતા મહાદેવનો મહિમા
Dholeshwar mahadev, gandhinagar
TV9 Bhakti

| Edited By: Bipin Prajapati

Aug 14, 2022 | 6:19 AM

ભગવાન શિવ (lord shiva) અર્થાત્ કલ્યાણ. શિવ એટલે પવિત્રતા અને શિવ એટલે જ પૂર્ણત્વ. તેમના નામની જેમ જ ભક્તોને પવિત્રતાની, કલ્યાણની અને મોક્ષરૂપી પૂર્ણત્વની પ્રાપ્તિ કરાવનારા છે દેવાધિદેવ મહાદેવ. એટલે જ તો ભક્તો સદૈવ મહાદેવના દિવ્ય સ્વરૂપોનું શરણું લેતાં જ રહે છે. કેટલાંક શિવ મંદિરો એવાં પણ હોય છે કે જ્યાં પગ મૂકતાં જ શ્રદ્ધાળુઓ નચિંત બની જાય છે અને પ્રસન્નતાની અનુભૂતિ કરવા લાગે છે. પાવની સાબરમતીના તટ પર સ્થિત ગાંધીનગરનું ધોળેશ્વર મહાદેવનું (dholeshwar mahadev gandhinagar) મંદિર પણ તેમાંથી જ એક છે. આવો, આજે આપણે આ મંદિરની અદ્વિતીય મહત્તાને જાણીએ.

મંદિર માહાત્મ્ય

પુરાણોમાં સાબરમતી નદીનો કળયુગી ગંગા તરીકે ઉલ્લેખ જોવા મળે છે. અને આ જ ગંગાને આરે ગાંધીનગરના રાંદેસણમાં દેવાધિદેવ ધોળેશ્વર રૂપે બિરાજમાન થયા છે. ધોળેશ્વર મહાદેવ એ ધવલેશ્વરના નામે પણ પ્રસિદ્ધ છે. સ્કન્દ પુરાણમાં ઉલ્લેખ અનુસાર આ એ શિવધામ છે કે જે દર્શન માત્રથી શ્રદ્ધાળુઓને મોક્ષની પ્રાપ્તિ કરાવે છે. અને એટલે જ અહીં વિદ્યમાન શિવજી ગુજરાતના કાશી વિશ્વનાથ તરીકે પૂજાય છે. અહીં ગર્ભગૃહમાં અત્યંત સુંદર શિવલિંગ પ્રસ્થાપિત છે. જેના દર્શન માત્રથી ભક્તો પરમશાંતિની અનુભૂતિ કરે છે.

ધોળેશ્વર મહાદેવનું પ્રાગટ્ય

સ્કંદપુરાણમાં વર્ણિત કથા અનુસાર આ શિવજી અહીં ઈન્દ્રેશ્વરના નામે વિદ્યમાન થયા હતા. પુરાણોક્ત કથા અનુસાર સુરેશ્વર ઈન્દ્ર અને અસુરેશ્વર નમુચિએ શસ્ત્ર લીધાં વિના જ એકબીજાને પરાજીત કરવાની પ્રતિજ્ઞા લીધી. ત્યારે આકાશવાણીની પ્રેરણાથી ઈન્દ્રએ હાથમાં સમુદ્રફીણ લઈ તેનાથી નમુચિનો વધ કર્યો. ઈન્દ્ર વિજયી તો થયા. પણ, શરત ભંગ થવાથી ઈન્દ્રને બ્રહ્મહત્યાનું પાપ લાગ્યું. દેવરાજ ઈન્દ્રનો દેહ શ્યામ થઈ ગયો. તે વ્યથિત થઈ ગયા. આખરે, સ્વયંના ઉદ્ધાર માટે દેવગુરુ બૃહસ્પતિની આજ્ઞાથી ઈન્દ્ર સાબરમતી નદીના કિનારે આવેલાં આજના ધોળેશ્વર મહાદેવના સ્થાન પર આવ્યા. પાવની સાબરમતી નદીમાં સ્નાન કરતાં જ ઈન્દ્રને બ્રહ્મહત્યાના પાપમાંથી મુક્તિ મળી ગઈ. અને દેહની કાંતિ પૂર્ણિમાના ચંદ્ર જેવી ધવલ થઈ ગઈ. ત્યારબાદ દેવરાજે આ જ સ્થાન પર મહાદેવની સ્થાપના કરી. ઈન્દ્ર દ્વારા સ્થપાયા હોઈ મહાદેવ ઈન્દ્રેશ્વરના નામે પ્રસિદ્ધ થયા. તો, ઈન્દ્રના આગમનને લીધે ગામનું નામ પડ્યું ઈન્દ્રગામ. જેનું અપભ્રંશ થઈ આજે તે ઈન્દ્રોડા નામે વિખ્યાત છે.

ધોળેશ્વરનો પરચો

પ્રચલિત કથા અનુસાર પૂર્વે આ ભૂમિ પર ઈચ્છાપુરીના સંત થઈ ગયા. તેમના સમયે કેટલાંક ચોર રાજાના કાળા અશ્વ ચોરીને અહીં આવ્યા. તેમની પાછળ સૈનિકો પડ્યા હોઈ તેમણે સંતને રક્ષા કરવાની પ્રાર્થના કરી. સંત ઈચ્છાપુરીએ ચોરોને એ શરતે અભયવચન આપ્યું કે તે ફરી ક્યારેય ચોરી નહીં કરે. અને પછી તેમણે રાજાના સૈનિકોને આપ્યો એક અદભુત પરચો. કહે છે કે તે જ સમયે કાળા અશ્વ એ શ્વેત અશ્વમાં પરિવર્તિત થઈ ગયા. અશ્વના રંગ બદલવાની ઘટના રાજા મલ્હાર રાવ સુધી પહોંચી. અને બીજા દિવસે તે સ્વયં અહીં દર્શનાર્થે આવ્યા. તેમણે રાજ રહે ત્યાં સુધી સ્થાનકને વર્ષાસન પણ બાંધી આપ્યું અને સૌએ ઈન્દ્રેશ્વર મહાદેવને ધોળેશ્વરના નામે વધાવ્યા.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati