Pitru Paksha 2023 : પિતૃ પક્ષ દરમિયાન પિતૃઓને કેવી રીતે પ્રસન્ન કરવા, જાણો આ દિવસે શું કરવું અને શું ન કરવું
પિતૃ પક્ષને પિતૃઓને પ્રસન્ન કરવા માટે ખૂબ જ શુભ સમય માનવામાં આવે છે. પિતૃ પક્ષ દરમિયાન, દરેક વ્યક્તિ તેમના પૂર્વજોને પ્રસન્ન કરવા માટે તેમની પૂજા અને શ્રાદ્ધ કરે છે. પરંતુ પિતૃ પક્ષ દરમિયાન કેટલાક નિયમોનું પાલન કરવું મહત્વપૂર્ણ છે અન્યથા તમે પાપના સહભાગી બની શકો છો. તો ચાલો જાણીએ પિતૃ પક્ષ દરમિયાન શું કરવું અને શું ન કરવું.

pitru Paksha 2023: હિંદુ ધર્મમાં પિતૃ પક્ષનું વિશેષ મહત્વ છે. કેલેન્ડર મુજબ, પિતૃ પક્ષ દર વર્ષે ભાદરવા મહિનાની પુનમથી શરૂ થાય છે. પિતૃ પક્ષ દરમિયાન પિતૃઓ માટે શ્રાદ્ધ અને તર્પણ કરવામાં આવે છે જેના કારણે પૂર્વજો પ્રસન્ન થાય છે અને પોતાના પ્રિયજનોને આશીર્વાદ આપે છે. પૂર્વજોના આશીર્વાદથી જીવનની તમામ સમસ્યાઓ દૂર થાય છે. આ વર્ષે પિતૃ પક્ષ 29 સપ્ટેમ્બર 2023 થી શરૂ થશે અને 14 ઓક્ટોબર 2023 ના રોજ સમાપ્ત થશે. પિતૃ પક્ષ 16 દિવસ સુધી ચાલે છે જેમાં પિતૃઓનું શ્રાદ્ધ તિથિ પ્રમાણે કરવામાં આવે છે. આ દિવસે પિતૃઓનું પૂજન અને શ્રાદ્ધ કરવાથી પિતૃદોષથી મુક્તિ મળે છે.
એવું પણ માનવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિને તેના પૂર્વજોની મૃત્યુ તિથિ યાદ ન હોય અથવા કોઈ કારણસર તે ભૂલી ગયો હોય, તો તે આસો મહિનાની અમાસના દિવસે પોતાના પૂર્વજોનું શ્રાદ્ધ કરી શકે છે. પિતૃપક્ષની તમામ તિથિઓનું મહત્વ છે પરંતુ પિતૃપક્ષમાં નવમું શ્રાદ્ધ, ભરણી શ્રાદ્ધ અને અમાસ શ્રાદ્ધની તિથિઓ સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
આ પણ વાંચો : Pitru Paksha 2023: જ્યારે પિતૃઓની તિથિ યાદ ન હોય તો તેમનું શ્રાદ્ધ ક્યારે અને કેવી રીતે કરવું ?
પિતૃ પક્ષ કેમ ખાસ છે ?
એવી ધાર્મિક માન્યતા છે કે પિતૃ પક્ષના દિવસોમાં પૂર્વજોનું સ્મરણ કરવું જોઈએ અને સંપૂર્ણ વિધિ-વિધાનથી પૂજા કરવી જોઈએ જેથી કરીને પિતૃ ખુશ થઈ જાય અને પોતાના પ્રિયજનોને સુખી જીવનનો આશીર્વાદ આપે. તેમજ પિતૃ પક્ષ દરમિયાન પવિત્ર ગ્રંથોનું વાંચન અને મંત્રોનો જાપ શુભ માનવામાં આવે છે. પિતૃપક્ષ દરમિયાન પિતૃઓને તેમના આત્માની શાંતિ માટે તર્પણ અર્પણ કરવાની માન્યતા છે. એવું કહેવાય છે કે પિતૃ પક્ષના દિવસોમાં પિતૃઓનું શ્રાદ્ધ કરવાથી મૃત્યુના દેવતા યમરાજ તમામ જીવોની આત્માઓને મુક્ત કરે છે જેથી કરીને તેઓ તેમના પરિવારો દ્વારા કરવામાં આવેલ તર્પણ સ્વીકારી શકે. પિતૃઓનું તર્પણ કરવાથી તેમને મોક્ષની પ્રાપ્તિ કરે છે. તેમજ પિતૃઓ પ્રસન્ન થઈને ઘરમાં સુખ-શાંતિનો આશીર્વાદ આપે છે.
પિતૃ પક્ષના દિવસે શું કરવું
- પિતૃ પક્ષ દરમિયાન પિતૃઓનું શ્રાદ્ધ તેમની મૃત્યુ તિથિ પર જ કરવું જોઈએ.
- પિતૃ પક્ષ દરમિયાન ઘરમાં સ્વચ્છતા જાળવવી જોઈએ અને ઘરમાં કચરો ન રાખવો જોઈએ.
- પિતૃપક્ષ દરમિયાન પિતૃઓને ભોજન આપવા માટે ગાય, કૂતરા કે કાગડાને ભોજન અર્પણ કરવું જોઈએ.
- પિતૃ પક્ષ દરમિયાન તમે જેના માટે શ્રાદ્ધ કરો છો તે વ્યક્તિની પસંદગીનું ભોજન બનાવવાનો પ્રયત્ન કરો.
- પિતૃ પક્ષ દરમિયાન બ્રાહ્મણોને ભોજન કરાવો અને તમારી ક્ષમતા મુજબ દક્ષિણા આપો.
- પિતૃ પક્ષમાં કુશનો(દાભળો) ઉપયોગ કરો અને કુશની વીંટી પણ પહેરવી જોઈએ. તેનાથી પિતૃઓ ઝડપથી પ્રસન્ન થઈ જાય છે.
પિતૃ પક્ષમાં શું ન કરવું
- પિતૃ પક્ષ દરમિયાન માંસ, શરાબ, લસણ, ડુંગળી વગેરેનું સેવન પ્રતિબંધિત માનવામાં આવે છે, તેથી તેનું સેવન કરવાનું ટાળો.
- પિતૃ પક્ષ દરમિયાન તમારા પૂર્વજો તેમજ ઘરના વડીલોનું અપમાન ન કરો, નહીં તો પિતૃ દોષનો ભોગ બની શકો છો.
- પિતૃપક્ષ દરમિયાન કોઈ પણ શુભ કાર્ય જેમ કે સગાઈ, મુંડન, ગૃહસ્કાર, નામકરણ વગેરે કરવું અશુભ છે, તેથી તે કરવાનું ટાળો.
- પિતૃપક્ષ દરમિયાન નવા વસ્ત્રો ખરીદવા અને પહેરવા નહીં. આવું કરવું અશુભ હોઈ શકે છે.
- મૂળા અને ગાજરને અશુદ્ધ માનવામાં આવે છે, તેથી પિતૃ પક્ષ દરમિયાન મૂળા અને ગાજરનું સેવન ન કરો.
- પિતૃ પક્ષ દરમિયાન કોઈની સાથે ઝઘડો ન કરો અને પ્રેમથી હળીમળીને રહો.
નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.
ભક્તિ સમાચાર સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે અહીં ક્લિક કરો