લેખકઃ ડો. હેમીલ પી. લાઠીયા, જ્યોતિષાચાર્ય
હિન્દુ ધર્મમાં (Hindu) ધર્મ, કર્મ, ક્ષમા, દયા, શ્રદ્ધા જેવી બાબતોના ગૂઢ રહસ્યો રહેલા છે. ધાર્મિક ગ્રંથો, તંત્રમાં પણ કેટલીક એવી બાબતો છે. જેમાં માનવ જીવનના કલ્યાણ બાબતે કેટલીક બાબતો જાણવા મળે છે, તો કેટલાક અનુભવી વિદ્વાનો પાસેથી પણ જાણવા મળે છે. ત્યારે આજે દીપદાન સંબંધી વાત કરીએ. દીપદાનની વાત ધાર્મિક ગ્રંથો ઉપરાંત તંત્ર શાસ્ત્રમાંથી પણ જાણવા મળે છે. જુદા જુદા પર્વ અને દેવ હેતુ કરવામાં આવતા દીપદાનના મહિમા અને દીપાવલી પર્વ પર કરવામાં આવતા દીપદાન ઉલ્લેખનીય છે. જે યોગ્ય માર્ગદર્શન હેઠળ કરવામાં આવે છે.
દીપાવલીના પર્વમાં એકાદશીથી લઈ દિવાળી સુધી એટલે કે આસો વદ અગિયારસથી લઈ આસો વદ અમાસ સુધી કેટલાંક ચોક્કસ સ્થાન પર દીપદાન કરવાથી સવિશેષ કૃપાની પ્રાપ્તિ થઈ શકે છે. ત્યારે આવો જાણીએ કે આ શુભ દિવસોમાં અચૂક ક્યાં પ્રગટાવવો જોઈએ દીપક ? અને આ દીપદાનથી કેવાં ફળની થશે પ્રાપ્તિ ?
1. આસો વદ અગિયારસ આસો વદ અગિયારસના દિવસે એક કોડિયામાં ઘીનો દીવો સંધ્યા સમય પછી કમ્પાઉન્ડ, ચોક, ગેલેરીમાં ભગવાન નારાયણના સ્મરણ સાથે પ્રગટાવો. આ સમયે બે હાથ જોડી પ્રાર્થના કરવાથી જેમને નોકરી-ધંધામાં અસ્થિરતા કે ઉતાર ચઢાવની ચિંતા હોય તેમાં રાહત મળે છે
2. આસો વદ બારસ આસો વદ બારસના દિવસે દેવી ભગવતીનું સ્મરણ કરી સાંજે ઘીના દીપકનું દીપદાન ગેલેરી કે ચોકમાં કરવામાં આવે તો માન અને સંતોષ વધે છે.
3. આસો વદ તેરસ આસો વદ તેરસની સાંજે એક કોડિયામાં તેલનો ચાર આડીવાટનો દીવો ઘરના મુખ્ય દ્વાર બહાર મૂકવો. સૌ પ્રથમ દક્ષિણ દિશાની વાટ પ્રગટાવી બાદમાં પશ્ચિમ, ઉત્તર અને પૂર્વ તેમ પ્રગટાવવી. બાદમાં પોતાનું મુખ દક્ષિણ દિશામાં રાખી બે હાથ જોડી યમરાજાને પ્રાર્થના કરવી. આમ કરવાથી આકસ્મિક સંકટ, દુર્ઘટના, પીડામાંથી મુક્તિ મળે છે.
4. આસો વદ ચૌદસ આસો વદ ચૌદસની સાંજે તેલનો દીવો ઘરના આંગણામાં કે ગેલેરી પાસે પ્રગટાવી પિતૃદેવ કે સંકલ્પીત દેવને પ્રાર્થના કરવાથી તેમની કૃપા અને આશીર્વાદ મળે છે.
5. આસો વદ અમાસ (દિવાળી) આસો વદ અમાસની એટલે કે દિવાળીની રાત્રીએ ઘીનો દીવો સાંજે ગેલેરી કે આંગણે પ્રગટાવી લક્ષ્મીજીને પ્રાર્થના કરવાથી ઘરમાં નાણાંની તંગી વર્તાતી નથી. તેમજ માતા લક્ષ્મીની કૃપા ઘર પર સદૈવ સ્થિર રહે છે.
દીપદાન વખતે કોડિયામાં ઘી કે તેલ ‘કોડિયા’માં સમાય તેટલું પૂરું ભરવું. કોડિયાને નાની ડિશમાં થોડા ઘઉં રાખીને તેના પર મૂકવું. બાજુમાં એક નંગ સાકર પણ રાખવી. પછી સવારે તે કોડિયું લઈ ડિશ ધોઈ નાંખવી. તેમજ ઘઉં અને સાકર પક્ષીને ચણ માટે બહાર મૂકી દેવા. માન્યતા અનુસાર તેનાથી ઘરમાં સકારાત્મક ઊર્જાની અનુભૂતિ થશે.
નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે. જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. જનરુચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.