ઘણાં ઓછાં ભક્તો એ વાત જાણતા હોય છે કે વર્ષ દરમિયાન કુલ ચાર નવરાત્રી (navaratri) આવતી હોય છે. આસો માસમાં અને ચૈત્ર માસમાં આવતી નવરાત્રી વિશે તો મોટાભાગે લોકો જાણે જ છે. પરંતુ, આ સિવાય પોષ મહિનામાં શાકંભરી નવરાત્રી અને અષાઢ (Ashadha) માસમાં અષાઢી નોરતા આવે છે. જે ગુપ્ત નવરાત્રી (gupt navaratri) તરીકે ઓળખાય છે. અષાઢ માસથી વિવિધ ઉત્સવોનો અને વ્રતોની ઉજવણીનો પ્રારંભ થતો હોય છે. તે દૃષ્ટિએ ગુપ્ત નવરાત્રીનો મહિમા છે. અને તેમાં પણ સૌથી કલ્યાણકારી તો મનાય છે આ નવરાત્રીની અંતિમ તિથિ કે જે ભડલી નોમ (Bhadli Navami) તરીકે ઓળખાય છે.
શાસ્ત્રોમાં ભડલી નોમની આગવી જ મહત્તા વર્ણવવામાં આવી છે. ગુપ્ત નવરાત્રીનો આ નવમો દિવસ એક આગવું જ મહત્વ ધરાવે છે. સૌથી રસપ્રદ વાત એ છે કે આ દિવસે કોઈ પણ શુભકાર્ય મુહૂર્ત જોયા વિના જ કરી શકાય છે. આ દિવસે કરવામાં આવતા લગ્ન પણ ખૂબ જ મંગળકારી બની રહે છે. અખાત્રીજ અને વસંત પંચમીની જેમ જ આ તિથિ પણ વણજોયું મુહૂર્ત મનાય છે. આ વખતે 8 જુલાઈ, શુક્રવારના રોજ આ રૂડો અવસર પ્રાપ્ત થયો છે. ત્યારે આવો તેની મહત્તાને જાણીએ.
ભડલી નોમની મહત્તા
ભડલી નોમની તિથિનું ઉત્તર ભારતમાં સવિશેષ મહત્વ છે. તેને લગ્ન કરવા માટેનું સૌથી શ્રેષ્ઠ મૂહુર્ત માનવામાં આવે છે. આ તિથિને લગ્ન કરવા માટેનો અંતિમ દિવસ માનવામાં આવે છે. કારણ કે, આ તિથિના બે દિવસ બાદ દેવપોઢી એકાદશી આવે છે અને ભગવાન વિષ્ણુ ચાર માસ માટે નિંદ્રાધિન થઈ જાય છે. એટલે કે, ચાર મહિના માટે કોઈ પણ પ્રકારના શુભ કાર્યો નથી કરી શકાતા. માન્યતા અનુસાર પ્રભુ નિંદ્રાધીન હોઈ આવનાર 4 માસ પર્યંત ભગવાન વિષ્ણુના શુભ આશિષ પણ પ્રાપ્ત નથી કરી શકાતા. એ જ કારણ છે કે ભડલી નોમ શુભ તિથિ હોઈ આ દિવસે માંગલિક કાર્યો યોજી ભક્તો ભગવાનની કૃપાને પ્રાપ્ત કરવા આતુર રહેતા હોય છે.
વિવાહનો શુભ અવસર
દર વર્ષે અષાઢી નોમના દિવસે ભડલી નોમનો તહેવાર ઉજવવામાં આવે છે. નવમી તિથિ હોઈ તે ગુપ્ત નવરાત્રીની પૂર્ણાહુતિનો પણ દિવસ છે અને એટલે જ તે વિવિધ પ્રકારની સિદ્ધિની પ્રાપ્તિનો દિવસ પણ મનાય છે. કહે છે કે ભડલી નોમના દિવસે જે લોકોના લગ્ન થાય છે તેમનું વૈવાહિક જીવન ખૂબ જ સંપન્ન રહે છે અને તેમના જીવનમાં કોઈપણ પ્રકારની બાધા નથી આવતી. ભડલી નોમને કંદર્પ નવમી પણ કહેવામાં આવે છે.
માંગલિક કાર્યોનો દિવસ
ભડલી નોમના દિવસે મુહૂર્ત જોયા વિના જ ગૃહ પ્રવેશ કરી શકાય છે. નવા વાહનની ખરીદી પણ કરી શકાય છે. દુકાન, નવા ધંધાની કે નવા કાર્યોના શુભારંભ માટે પણ આ દિવસ શ્રેષ્ઠ મનાય છે.
કોની કરશો પૂજા ?
ભડલી નોમના દિવસે આમ તો વિષ્ણુજીની આરાધનાનો મહિમા છે. પણ, આ દિવસે ગણેશજી, શિવજી અને દેવી પાર્વતીની પૂજા પણ શુભદાયી મનાય છે. આ દિવસે શિવલિંગ પાસે દીવો પ્રગટાવી ।। ૐ ઉમામહેશ્વરાભ્યાં નમઃ ।। મંત્રનો જાપ કરો. મંત્ર જાપ ઓછામાં ઓછો 108 વખત કરો. મંત્ર જાપ માટે રુદ્રાક્ષની માળાનો ઉપયોગ કરવો જોઇએ. માન્યતા અનુસાર તેનાથી પ્રસન્ન થઈ શિવ-પાર્વતી ભક્તોની મંગળકામનાઓને સિદ્ધ કરે છે.
સુખી દાંપત્યના આશિષ
લગ્નજીવનમાં સુખ-શાંતિ જળવાઈ રહે તે માટે ભડલી નોમે પતિ-પત્નીએ એકસાથે શિવલિંગની પૂજા કરવી જોઈએ અને જળાધારી ઉપર કંકુ, હળદર, લાલ બંગડી, લાલ સાડી, લાલ ગુલાબ ચઢાવવા જોઇએ.
દાનથી પ્રભુકૃપા
ભડલી નોમના દિવસે પૂજા બાદ જરૂરિયાતમંદ લોકોને ધન અને અનાજનું દાન કરવું જોઈએ. કહે છે કે આ દાન કર્મ આવનારા સંકટોને ટાળી દે છે. અને ભક્તનું જીવન ખુશીઓથી ભરી દે છે.
(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)